ankoDa - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રોજ સવારે દીવાલ પરથી ઊતરે છે એક ચોર

સમય પર ઊંડે ઊંડે ટહુકે છે એક મોર

પડદા પાછળ પડદા છે ને પાછળ છે એક કેદી

એનો ભેદ અકળ છે એવો, કોઈ શકે ના ભેદી

ઘરનું આંગણ દૂર હતું ને દૂર હતું પાસે

ડગલે ડગલે ડરતો રહીને ભટકું અધ્ધર શ્વાસે

શબ્દોને ભરથાર કરો કે ભાષાને ઘરવાળી

ચાંદો સૂરજ ઠરી ગયા છે રાત નથી અજવાળી

પુસ્તકને પણ હૃદય હતું ને શબ્દોને પણ દિલ

સડી ગયું છે અંદર સઘળું આંટા મારે ચીલ

બુદ્ધિ છે કાટ ચઢ્યો ને લાગણીઓ સહુ જુઠ્ઠી

લડવાનું રહેવા દે ભઈલા, તલવારો છે બુઠ્ઠી

માનો કે ના માનો પણ છે કપરી આજ કસોટી

નકશામાં સહુ લડી રહ્યાં જ્યાં પાણીની પરપોટી

ખીણ હતી ને પુલ હતો ને સામેથી આવ્યા

વચમાં એવું યુદ્ધ થયું કે કોઈ કશું ના ફાવ્યા

નગર નથી સૂરજ નથી નથી રાત કે દિન

અંદરથી ખંડેર બધું છે જીવવામાં સૌ લીન

પહેલાં સ્હેજ અનુભવો, સાચું ખોટું છોડી

પછી જુઓ કે કોણ બાંધતું, કોણ કંઠી તોડી

ઇતિહાસોમાં વિલીન થઈને કોણ આપતું દાવ

આકાશે એક લકીર ખેંચી કોણ કહે છે આવ

મને હતું કે ફૂલ હશે તો હશે ફક્ત ત્યાં કૂંડું

(પણ) હજી કેટલું અંદર છે હજી કેટલું ઊંડું

ઢાંચો એનો રહે ને અંદર સઘળું ચકનાચૂર

સૂરજને પણ પૂછવું પડતું ક્યાં ગયું મારું નૂર?

કર્ફ્યુમાં એક બાળક જન્મ્યું, જન્મી બીજું એમ

કે સિપઈ બનીને કોકે પૂછ્યું બહાર નીકળ્યું કેમ?

રોજ રાતના બિસ્તર વચ્ચે ઊગતું ઝીણું ઘાસ

આંખ મીંચીને ચર્યા કરું છું નાંખીને નિઃશ્વાસ

કરોળિયા તંતુ બાંધ્યો બે પર્વતની વચ્ચે

પકડીને સફર કરું છું પહોંચ્યો છું અધવચ્ચે

અંધારાના સાગર ઉપર બીજ ચંદ્રની નાવ

બની શકે તો સઘળું છોડી સવાર પહેલાં આવ

આભ તૂટે તો ટેકો દેવા સળી રોપતો બાળ

ક્યારે આભ પડે જોતાં વીતે સઘળો કાળ

અંદર અંદર મુરઝાયો, તો રડ્યો હતો પણ અંદર

એને જાણ કશી થઈ ના ઠીક થયું એકંદર

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 344)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004