અનહદનો સૂર
anhadno suur
હરીન્દ્ર દવે
Harindra Dave
હરીન્દ્ર દવે
Harindra Dave
શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે ક્યારનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીનાં નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ :
અને સૂરજનું આભ કોઈ ઑર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં કપૂર.
સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 106)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
- વર્ષ : 1984
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
