andhli mano kagal - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંધળી માનો કાગળ

andhli mano kagal

ઈન્દુલાલ ગાંધી ઈન્દુલાલ ગાંધી
આંધળી માનો કાગળ
ઈન્દુલાલ ગાંધી

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્

પુનમચંદના પાનીઆ આગળ ડોશી લખાવતી ખત,

ગગો એનો મુંબઇ કામે;

ગીગુભાઈ નાગજી નામે.

લખ્ય કે, માડી! પાંચવરસમાં પ્હોંચી નથી એકપાઈ

કાગળની એક ચમરખી પણ, તને મળી નથી ભાઇ!

સમાચાર સાંભળી તારા;

રોવું મારે કેટલા દા'ડા?

ભાણાનો ભાણીઓ લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય

દન આખો જાય દાળિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, ૧૦

નિત નવાં લુગડાં પે'રે,

પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ

દવાદારૂના દોકડા આપણે કાઢશું કયાંથી બાપ!

કાયા તારી રાખજે રૂડી; ૧પ

ગરીબની છે મૂડી.

ખોરડું વેંચ્યું ને ખેતર વેંચ્યુ, કૂબામાં કર્યો છે વાસ

જારનો રોટલા જડે નહિ તે દિ' પીઉં છું એકલી છાશ,

તારે પકવાનનું ભાણું:

મારે નિત જારનું ખાણું. ર૦

દેખતી તે દિ' દરણાં, પાણી કરતી ઠામેઠામ

આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ આપે કામ,

તારે ગામ વીજળી દીવા,

મારે આહી અંધારા પીવાં.

લીખીતંગ તારી આંધળીમાના વાંચજે ઝાઝા જુહાર રપ

એકે રહ્યું નથી અંગનું ઢાંકણુ, ખૂટી છે કોઠીએ જાર,

હવે નથી જીવવા આરો,

આવ્યો ભીખ માગવા વારો.

(૧પ ઓગસ્ટ ૧૯૩૪)

સ્રોત

  • પુસ્તક : ખંડિત મૂર્તિઓ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : ઇન્દુલાલ ગાંધી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1991