duniya amari - Geet | RekhtaGujarati

દુનિયા અમારી

duniya amari

ભાનુપ્રસાદ પંડ્યા ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!

પણ કલરવની દુનિયા અમારી!

વાટે રખડ્યાની મોજ છીનવી લીધી

ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં વ્હેલો તે પ્હોર

બંધ પોપચાંમાં રંગોની ભાત!

લોચનની સરહદથી છટકીને રણઝણતું

રૂપ લઈ રસળે શી રાત!

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના

વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી

નાતો સામટી સુગંધ,

સમા સમાના દઈ સંદેશા લ્હેરખી

અડક્યાનો સાચવે સંબંધ!

ટેરવાંમાં તાજી કૈં ફૂટી તે નજરુંના

અનુભવની દુનિયા અમારી!

સ્રોત

  • પુસ્તક : અડોઅડ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1972