અમરાપુરિનાં અતિથિ, વ્હાલાં, આવજો! ટેક
મધુરાં કીધાં કરવ્યાં શૂં રસપાન જો:
રસવીથિ સુરવાડીની સોહામણી
લલચાવે? નવ દીધાં હજિ ઉરદાન જો: અમo
સરજનજૂની કોકિલકુંજનિ પ્રીત જો,
પુષ્પિત પુંજપરિમલની ઉરપ્યાસ જો,
ઊંચે ઊંચે ઉડવાની ઉરંઝખના,
નવ પોષાયે અદને અમ આવાસ જો: અમo
હૈયાંને હિન્દોળે હો હિન્દોળશૂં,
કૂંળી કળિ શા ઉર જાગ્યા રસકોડ જો
આત્માના અમૃતમાં પ્રિય ઝબકોળશૂં,
વામ વિધી શૂં હસવાની એ હોડ જો: અમo
પ્રભુ પંખેરાં પાળવવાં એ પાપ છે,
ઉચિત જ એને ઊંચા વ્યોમવિહાર જો
પિંજર પાળ્યાં, વ્હાલાં, કહો એ માફ છે?
મરકલડાં ક્યાંથી અમ માનવદ્વાર જો: અમo
નેહનગરનાં રઢિયાળાં રસરાજવી,
થાપ્યાં થોડું તેજોમય ઉરતખ્ત જો:
કુસુમકલેવર! હૈયાંની ફુલ પાંદડી
વજ્રતીખિ ને લાગી કદિ કદિ સખ્ત જો: અમo
તમ તેજોમય હાસે, અમૃતદીવડાં,
ઊડ્યા ઊડ્યા આત્માના અન્ધાર જો
અજવાળાં શાં ઉઘડ્યાં અમિમય આંગણે,
સ્વર્ગસુધા રેલી રહિ શૂં સ્મિતધાર જો: અમo
માનવની મિટ્ટીમાં દેવલ દીપ્તિ છે,
દેવદૂતનો મનુકુલને અધિકાર જો:
ફુલડાં શા ફીરસ્તા ઉતર્યાં આંગણે,
સૌરભને શુચિતાના તમ શણગાર જો: અમo
મધુઝર તમ માયાનાં શુચિ સમ્ભારણાં,
છાયા છબિને સમણે સુખભંડાર જો:
આત્માના અમૃતરસ ઓગળી ઓગળી
હેત પૂતળાં ઉર ઘડશે સ્મૃતિસાર જો: અમo
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931