amin nahin! amin nahin! - Geet | RekhtaGujarati

અમીં નહીં! અમીં નહીં!

amin nahin! amin nahin!

પ્રદ્યુમ્ન તન્ના પ્રદ્યુમ્ન તન્ના
અમીં નહીં! અમીં નહીં!
પ્રદ્યુમ્ન તન્ના

રમતું'તું રાત્ય દંન જીભે જિનું નામ

જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ

તો ઝબ્બે લીધો ઝાલી, હવે છોડે બીજાં

સઈ! અમ નહીં! અમીં નહીં!

જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં

આવતાં ને જાતાં સહુ લોક

એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં

ઓઢણ ઉતાર્યા છડેચોક!

જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો

કે ઓર કો’ મલીર હવે ઓઢે બીજાં

સઈ! અમીં નહીં! અમીં નહીં!

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની

જીવને ના છોભ જરી થાતો,

જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો

જોઈ બૂઝી બાંધ્યો છે નાતો!

જી ભવભવના ભાગ લીધાં આંકી લેલાડ

કે ચાંદલો ગમે તે હવે ચોડે બીજાં

સઈ! અમીં નહીં! અમીં નહીં!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008