amin moyan ji re - Geet | RekhtaGujarati

અમીં મોયાં જી રે

amin moyan ji re

પ્રદ્યુમ્ન તન્ના પ્રદ્યુમ્ન તન્ના
અમીં મોયાં જી રે
પ્રદ્યુમ્ન તન્ના

તુંને ના કાન! તારી મોરલીને વેણ અમીં મોયાં જી રે!

સાંભળી છે ત્યારની નેણાંની નીંદ ને

ચિત્તડાનાં ચેન અમીં ખોયાં જી રે,

કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!

ઊમટી આષાઢની હેલીની જ્યમ કશું ઊઘલી ઊઘલીને જયેં ગાતી,

એવા ઉમંગ-લોઢ હૈયે હિલોળતી કે છાતી તો ફાટફાટ થાતી!

હરખ-મૂંઝારે તયેં બાવરાં બનીને હાય!

દા'ડી ને રેણ અમીં રોયાં જી રે,

કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!

એકલાં અમીં કાંઇ ઘેલાં રે બોલ ઇંને, ઘેલાં વિહંગનાં ટોળાં,

ડોલે કદંબની કુંજ બધી તાનમાં, ને જમનાયે લેત કૈં હિલોળા!

સૂરની તે વાંહોવાહ ખીલડેથી ભાગતાં

વાછરાં ને ધેન અમીં જોયાં જી રે,

કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!

મેલી વજાડવું હાલ્યા ક્યાં આમ અરે એવું શું મનમાંહી લીધું?

જીવતરના સમ! રાખી હૈયે હાથ જુવો, હાચું જો હોય જરી કીધું!

એટલું જાણીએ કે કાઠના કટકામાં

કાળજનાં કેણ તમીં પ્રોયાં જી રે!

કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 236)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004