ame - Geet | RekhtaGujarati

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં

કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં

કે હોડી-ખડક થઈ અમને નડયાં.

ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ!

ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ!

કૂવો ભરીને અમે એટલું રડયાં

કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

રસપ્રદ તથ્યો

વીંટી : સંદર્ભ -કાલિદાસના જાણીતા નાટક અભિનવ શાકુંતલમાં દુષ્યંત રાજા શકુંતલા જોડે ગાંધર્વ વિવાહ કર્યા બાદ જ્યારે પોતાના રાજ્યમાં જવા છૂટો પડે છે ત્યારે સંબંધની ઓળખ કે સાહેદી માટે શકુંતલાને પોતાની વીંટી આપી જાય છે. રૂમાલ : સંદર્ભ : શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક ઓથેલોમાં ઓથેલો નાયિકા ડેસ્ડેમોનાને ભેટ તરીકે રૂમાલ આપે છે એ સ્નેહના પ્રતીક ઉપરાંત ઓથેલો માટે વફાદારીનું પ્રતીક છે અને તે ડેસ્ડેમોનાને આપે છે તે વચનનું પ્રતિનિધિત્વ કરે છે કે તે તેના પ્રત્યે ખરો રહેશે, અને ડેસ્ડેમોના પણ તેના પ્રત્યે વફાદાર રહે તેવી વિનંતી પણ.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989