અમે ગાશું
ame gaashun
ઉમાશંકર જોશી
Umashankar Joshi

અમે ગીત ગગનનાં ગાશું
રે અમે ગીત મગનમાં ગાશું.
કલકલ કૂજન સુણી પૂછશો
તમે : અરે છે આ શું? રે અમે...
સૂર્યચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો વરસંતી જલધારા.
અમે સૂરસરિતમાં ન્હાશું. રે અમે...
જુઓ રાતદિન વિહંગ કોડે કર્યાં કરે કલશોર,
સાંજસવારે કોકિલ બુલબુલ, મોડી રાતે મોર.
જંપ્યા વિણ ગાયે જાશું. રે અમે...
પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી દો ઝરણું,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર નર્તન્તાં પ્રભુચરણાં.
ઉર મૂકી મોકળાં ગાશું. રે અમે...
પ્રચંડ જનકોલાહલ વીંધી ઝમે બ્રહ્મરવ ઝીણા,
જંપી જાય જગ ત્યારે ગાજે તિમિરની અનહદ વીણા.
એ રહસ્ય-સ્વર કૈં લ્હાશું. રે અમે...
બાળક હાલરડાં માગે ને યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજનભણકાર ચહે – એ આપે કોઈ મતવાલા.
અમે દિલ દિલને કંઈ પાશું.
રે અમે ગીત ગગનનાં ગાશું.



સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 341)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ