ame aatle awyan - Geet | RekhtaGujarati

અમે આટલે આવ્યાં

ame aatle awyan

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
અમે આટલે આવ્યાં
રઘુવીર ચૌધરી

અમે આટલે આવ્યાં ધીરે ચાલી.

સવારના અજવાળે અમને ધૂળ ધરાની વ્હાલી.

શૈશવમાં સાબરના જળમાં ગતિ જોઈ હોડીની,

અમે કેળવી માયા રમતાં સારસની જોડીની.

ઝાકળમાં મોતીની આભા તુલસી પર શોધેલી-

પંખીના માળામાં છાયા આંબાની પોઢેલી.

અંધારે તારકસંગી - અમ આભ કદી ના ખાલી.

અંતરાય આવેલા અગણિત બહારથી અંદરથી,

અમે કોઈને જાકારો ના દીધ નાનકા ઘરથી.

મારું તારું કે ઉધારનું - ખરાખરી ના ગમતી.

દુ:ખની પળમાં સુખની યાદે પાંપણ ભીની નમતી.

આજ આપણી, કાલ પ્રભુની, એની કૃપા નિરાળી.

અમે આટલે આવ્યાં ધીરે ચાલી.

સ્રોત

  • પુસ્તક : ધરાધામ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2014