ambode guunthii - Geet | RekhtaGujarati

અંબોડે ગૂંથી

ambode guunthii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
અંબોડે ગૂંથી
હરીન્દ્ર દવે

અંબોડે ગૂંથી કળી ચંપાની એક

જરા ચૂમી ત્યાં જાસૂદનું ફૂલ,

બેઉ હથેળી વચ્ચે હસતું કમળ

ક્યાંક વાસંતી વાયરાની ભૂલ.

નીલ રંગ ઝારી થકી ઝરમરતી જલધારા

ધરતી આખીય બની બાગ,

ક્યાંક ક્યાંક કેસૂડો કોળે શીતળ, ક્યાંક

મોગરાની પથરાઈ આગ,

ઘેઘૂર આંખ આડે પડદો રચે છે

ઝીણા રણઝણતા શ્વાસનું દુકૂલ.

ઊગતે પરોઢ કોઈ આવી મળ્યો કોલ

એક ઝાકળનું બિંદુ આભ ઊડ્યું,

ભીની પાંદડીના સુરભિત હૈયામાં જઈ

સૂરજનું બિમ્બ એક બૂડ્યું,

પંખીઓએ ટહુકી જે આપ્યા, એકેએક

વાયદાઓ અમને કબૂલ.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 101)
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ