અમારો વાંક!...
amaro vank!
ભાનુપ્રસાદ ત્રિવેદી
Bhanuprasad Trivedi
ભાનુપ્રસાદ ત્રિવેદી
Bhanuprasad Trivedi
વનમાં ગ્હેક્યા મોર,
અમારો વાંક!
આંબે લ્હેક્યા મ્હોર,
અમારો વાંક!
ટહુકો વાવ્યો નેણ,
નેણમાં ઝૂક્યાં વન ઘેઘૂર,
લીલનું લીલમ ઘેન,
ઘેનની છોળ ઊડી ચકચૂર,
વાગ્યા પોપણિયાના ન્હોર...
અમારો વાંક!
ભર્યા તૃણોના ઘૂંટ,
રોમમાં છક્યો માટીનો છાક!
ઘટ્ટ ઘ્રાણની લૂંટ,
હવાનો ચસ ચસ ચૂસ્યો લાંક!
એમ તો પમર્યા આઠે પ્હોર... અમારો વાંક!
ડણક્યા ડુંગર-ઢાળ,
આભલે ફૂટ્યા કણ કણ સ્વેદ!
રગમાં વગડા-ફાળ,
ટેરવે વેગ-વાયુના છેદ!
બ્હેક્યા ચાંદલિયાના થોર... અમારો વાંક
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૨૦૧૪ (પૃષ્ઠ ક્રમાંક 66)
- સંપાદક : કિશોરસિંહ સોલંકી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2017
