amaro chalu rahyo prawas - Geet | RekhtaGujarati

અમારો ચાલુ રહ્યો પ્રવાસ

amaro chalu rahyo prawas

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
અમારો ચાલુ રહ્યો પ્રવાસ
રઘુવીર ચૌધરી

અમારો ચાલુ રહ્યો પ્રવાસ!

ગણ્યા વિસામા જેને તો હતા માત્ર આભાસ!

રણ જેવા મનમાં

લીલા વન શાં તમને સાથે લીધાં.

તમે પાઓ છો તેથી તો

મેં છતે જાણતે મૃગજળ પીધાં.

હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ?

અમારો ચાલુ રહ્યો પ્રવાસ.

જે પગલાંમાં કેડી દેખી

દૂર દૂરની મજલ પલાણી;

પાછા વળનારાની પણ છે

નિશાની, આખર જાણી!

હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ!

અમારો ચાલુ રહ્યો પ્રવાસ!

(૧૯૮૨)

સ્રોત

  • પુસ્તક : વહેતાં વૃક્ષ પવનમાં (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1984