અમને તડકો આપો
amane tadko aapo
સુરેશ દલાલ
Suresh Dalal
સુરેશ દલાલ
Suresh Dalal
કાળા કાળા અંધકારની સડકો પાડે સાદ :
અમને તડકો આપો;
અમે કાચબા જેવાં : અમને સસલાં આવે યાદ :
અમને તડકો આપો!
તડકો ઝાડપાન પર ચળકે,
તડકો મોતી જેવું મલકે;
તડકો તરતો રહ્યો ઉમળકે.
તમે અમારી અડખેપડખે : પછી નથી ફરિયાદ :
અમને તડકો આપો!
તડકો વ્હાલો વ્હાલો લાગે,
જળમાં ખીલ્યો : સુંવાળો લાગે;
તડકો સાંજ સરે ને ભાગે.
સૂરજમુખીને હૈયે ગુંજે એક જ અનહદ નાદ :
અમને તડકો આપો!
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 72)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
- વર્ષ : 1980
