Akshar na Vasi - Geet | RekhtaGujarati

અક્ષરનાં વાસી

Akshar na Vasi

મકરંદ દવે મકરંદ દવે
અક્ષરનાં વાસી
મકરંદ દવે

જી તેં તો વ્હાલાંને દીધી વરાળ્યું

દવલાંને દીધાં દોઢિયાં હો જી,

જી તારી આગ્યુંમાં એક તો ઓરાણાં

બીજાં પલંગે પોઢિયાં હો જી.

ધાન મૂઆની ભેળા ધક્કે ચડીને તો

ચાબખા મૌજથી ઝીલે.

મેશની ટીલી તો ભાલે લગાડી ભાઈ,

ખાખ બની બની ખીલે—

ઉજમાળાં એનાં મોઢિયાં હો જી.

ખાડા ખરાબામાં પોગીપોગીને માંડે

મોતીનાં પાણ પાઈ ખેડ્યું,

સાંસની દેરે એની તૂટતી હોય તંયે,

ફૂટતી અમિયલ શેડ્યું,

ને પાંપણે પરોઢિયાં હો જી.

કોઈ જાણે એનો રંગ ઊંડેરો મીઠો

કોઈ જાણે જંગ છાનો,

આવે ને જાય તો અક્ષરનાં વાસી આંયાં,

નંઈ માતર, નંઈ કાનો–

ગમતીલા તારા ગોઠિયા હો જી.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ