ગિરિન ઝવેરી
Girin Jhaveri
કોકિલા, તું બોલતી મા!
અરવ નભ છે; અનિલ નીરવ;
મૂક ધરણી; શાન્ત છે દ્રવ
સિન્ધુનો; ને નતવદન છે
વૃક્ષ મૂંગાં : મૌન સૌએ. 5
હૃદય મારું શ્રાન્ત સૈકાઓ થકી પળવાર પોઢે.
નિન્દ એની તોડતી મા !
કોકિલા, તું બોલતી મા !
સદીઓ ગુલામી મેં કરી;
બેડી-જડી આ જિંદગી 10
જ્યમ-ત્યમ વહી, ને આખરી
મંજિલ મળી, થઈ બંદગી
પૂરી, મળ્યો આરામ આજે; હર્ષ-હેલ્યાં સોણલાં—
સ્વપ્ન એ ઢંઢોળતી મા!
કોકિલા, તું બોલતી મા! 15
હરખવું વિસરી ચૂકેલાં
ભીતિ-ડામ્યાં બાળ મારાં
માંડ પોઢ્યાં : તનિક રવથી
છળી મરે; એ ગભરુ દિલની
સુપ્ત પીડાને, સદય હે, તુજ રવે ભભકાવ ના. 20
આજ તું કિલ્લોલતી મા!
કોકિલા, તું બોલતી મા!
મુજ બાલુડાંનાં કરુણ-ક્રંદન,
પીડિતોનાં ઉર-પ્રકંપન
આજ શામ્યાં. 25
સુકાઈ અશ્રુધાર તારા ગીતથી ભીંજાવતી મા!
લુપ્ત દર્દોનાં હવે સંભારણાં તું લાવતી મા!
આજ, કોયલ, બોલતી મા!
કોકિલા, કંઈ બોલતી મા!
સ્રોત
- પુસ્તક : વિશ્રામ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સર્જક : ગિરિન જે. ઝવેરી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1956
