અકળાતો ખાલીપો
Akalato Khalipo
કનુ મહેતા 'વ્યોમ'
Kanu Mehta 'Vyom'

ઘરની વત્સલતા ગૂંગળાય,
રમકડે નિ:શ્વાસો ઊભરાય;
વળગણી તડકે સળગી સળગી
ઝંખે બાળોતિયાંની છાય.
ઝંખે હાલરડાં હાલરડાં,
કાયમ શમી ગયેલો કજિયો;
ઘરમાં હાલરડાં પીધેલ,
રિક્તતા વલખે ચારે કોર.
સ્તનની સરહદ પર વત્સલતા
ઝંખે બચકારાનાં ફીણ;
ઊતરતી ઝાખપથી ચોપાસ
ઘરના અજવાળા ભીંસાય,
દોરીએ હાથ જહીં લંબાય
ઘોડિયે ખાલીપો અકળાય...!



સ્રોત
- પુસ્તક : કવિલોક : નવે. – ડિસે. 1970 (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : રાજેન્દ્ર શાહ, બચુભાઈ રાવત
- પ્રકાશક : કુમાર કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1968