Ajanye Ankur Thaine Pangarya - Geet | RekhtaGujarati

અજાણ્યે અંકુર થઈને પાંગર્યાં

Ajanye Ankur Thaine Pangarya

મુકુન્દરાય પારાશર્ય મુકુન્દરાય પારાશર્ય
અજાણ્યે અંકુર થઈને પાંગર્યાં
મુકુન્દરાય પારાશર્ય

અજાણ્યે અંકુર થઈને પાંગર્યાં,

ફૂટ્યાં ડાળી ને પાન;

માડી ધરાનાં અમે છોરુ સૌ

નો'તું એવુંયે ભાન :

ખીલતાં ખીલ્યાં નભની છાંયમાં.

છાતીએ લીધાં માએ મૂળિયાં,

દીધાં ધાવણનાં નેહ,

નજરું મંડાવી ઊંચે આભમાં

જ્યાંથી વરસે અમરતનેહ. ખીલતાં...

ફૂલ શું, ફળો શું, કંઈ ના જાણતાં,

એના રસ–ગંધ માની દેણ,

પળે૫ળ નવતર નર્યું માણીએ,

અમને આવડે ના વેણ. ખીલતાં...

હવાનાં ડોલાવ્યાં અમે ડોલીએ,

અહીંથી કાઢે વાયરા સૂર,

તડકા ઊભી કરે છાંયડી;

અમથી ગાવું–છાવું દૂર. ખીલતાં...

ડાળું કપાયે, નવી ઊગતી,

શાને, એની ના જાણ,

મળ્યું તે માણીએ ને ખોયું ભૂલીએ,

ઈમાં જીવતરની લ્હાણ; ખીલતાં...

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી 1985 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ