અહીં નહીં તો
Ahi Nahi To
મનોહર ત્રિવેદી
Manohar Trivedi
મનોહર ત્રિવેદી
Manohar Trivedi
અહીં નહીં તો આમ રે કશે -
તડકા છે તો ક્યાંક તો હશે બાવળના તો બાવળનાયે છાંયડા હશે
ચાલવું છે તો ટેકરીઓના ઢાળની કેડી
ઊતરી અને આવશે તારા પગની કને
સ્હેજ ચાલે તો લ્હેરખી તને લૈને જશે
નભની વાતો કરતા પેલા વાંસના વને
બેઉ બાજુ ઝળૂંબતી ભેખડ અવગણીને દૂરની નદી મળવાને ઉતાવળી થશે
ઝાડવાં, ડાળી, પાંદડાં, ફૂલો, થડની સાથે
પંખીઓ ઝૂલે સામટાં ને લેલૂમ
મીટ માંડીને નીરખતાંવેંત હું જ પોતે
થઈ જાઉં પોતામાં સાવ અચાનક ગુમ
ધૂળથી રજોટાઈ આ મારગ ઘર લગી લંબાય છે મને મૂકવા મશે
તડકા છે તો ક્યાંક તો હશે બાવળના તો બાવળનાયે છાંયડા હશે
અહીં નહીં તો આમ રે કશે -
સ્રોત
- પુસ્તક : પરબ : ડિસેમ્બર, 2025 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : કિરીટ દૂધાત
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
