aemey ane temey - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એમેય અને તેમેય

aemey ane temey

ઉશનસ્ ઉશનસ્
એમેય અને તેમેય
ઉશનસ્

એમેય હણ્યો, તેમેય હણ્યો,
પ્રેમે મને આવતાં જતાં બેઉ પા ઓ રે હણ્યો!
કરવત જેનું નામ – મને બસ
                   ઠૂણકું લાકડું ગણ્યો. — એમેય૦
ભરતી હો કે ઓટ, અરેરે ભરતી હોય કે ઓટ,
ઉઝરડાઈ નીંગળ્યો ઓ રે સોળ ઊઠ્યા તીરે ચોટ;
પોચી મટોડી જોઈ રે મને
                   કાંકરી કાંકરી ખણ્યો. — એમેય૦
વસંત હોય કે પોષ, અરેરે વસંત હોય કે પોષ,
ફૂલ ખીલે કે ખરે, મારે બેઉ બાજુનો શોષ,
કરોળિયા જેમ જંતને તંતથી
                   તાણે ને વાણે વણ્યો. — એમેય૦
સપન હોય કે ગીત, અરેરે સપન હોય કે ગીત,
વિચાર હોય  વમળ, રહેતું ચિંતાચમક્યું ચીત,
પળપળનો રોમાંચ દીધો ને
                   રૂં રૂં કાતરી લણ્યો. — એમેય૦

સ્રોત

  • પુસ્તક : વેદના એ તો વેદ (ઉશનસનાં ગીતો) (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : ઉશનસ્
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2001
  • આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)