એમાં ધગી ગ્યા તમે આટલા?
aemaan dhagii gyaa tame aatlaa?
કૃષ્ણ દવે
Krushna Dave
કૃષ્ણ દવે
Krushna Dave
એમાં ધગી ગ્યા તમે આટલા?
કાળઝાળ ગરમી તોય હૈયામાં ટાઢક ને બેઠાં બિંદાસ્ત ઓલ્યા માટલાં
એમાં ધગી ગ્યા તમે આટલા?
બપ્પોરી વેળાં ને લીમડાનો છાંયો ને ઝોકે ચડેલા બે'ક ખાટલા!
એમાં ધગી ગ્યા તમે આટલા?
ભલભલી ભીંતુના પરસેવા છૂટ્યાં પણ પાંદડીયું લીલી ઇ લીલી
વગડો તો લાલઘૂમ મસ્તીથી ઉઘડે ને ઉડાડે તડકાની ખીલ્લી
આવડીક્ છાંયડીને જોખવામા હાંફી ગ્યા? બળતી બપ્પોરના ઇ કાટલા!
એમાં ધગી ગ્યા તમે આટલા?
શીશમના પડછાયાં તગારે તગારે ઓલીપા ઠાલવે છે લૂ
આણીપા રેતી પર રમતી બે પગલીઓ ભઇલાને પીવડાવે ભૂ
ઇ ટાણે તડકાની ઠેકડી ઉડાડે છે નાનકડાં ચંપલ બે ફાટલા
એમાં ધગી ગ્યા તમે આટલા?
આંબાની ડાળીયું પર વાગે શરણાઈ અને પાંપણમાં ટહૂકા અંજાય
તડકાની ઐસી કી તૈસી કરીને ગામ આખુંયે હિલ્લોળા ખાય
વૈશાખે રોપાતા મંડપમાં મ્હાલવા તો આવે બાજોઠ અને પાટલા
એમાં ધગી ગ્યા તમે આટલા?
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
