એ જિંદગી
Ae Zindagi
ઉશનસ્
Ushnas
ઉશનસ્
Ushnas
આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
– ના, તે નહીં.
એ તરફથી ડાઘુજન ગમગીન ચ્હેરે આવતું;
– તેયે નહીં.
રસ્તા વિશે એ બેય ધારા જ્યાં મળે
તે મેદની છે જિંદગી.
ભરતી વિશે ઊભરાય ખાડી, ખાંજણોયે આકળી,
– ના, તે નહીં.
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળીએ પાંસળી;
– તેયે નહીં.
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ
તે સમુંદર જિંદગી.
ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
– ના, તે નહીં.
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુએ;
– તેયે નહીં.
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરંતું ડૂંસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 231)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996
