advun laage - Geet | RekhtaGujarati

અડવું લાગે

advun laage

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
અડવું લાગે
હરીન્દ્ર દવે

એક વળી પર કસીકસીને બાંધો મારો દેહ

અને જોજો કે રસ્તે ક્યાંય ચસે ના,

મારગ, માટી સંગે એવો એનો નેહ

કે એનું ચાલે તો ક્યાંય ખસે ના.

પિંજર પ્રજળી રહ્યું તમારી સંગ ઊભો હું,

હુંય તમારી જેમ અગન–જ્વાળાને મોહું,

મુખનો ભાર ઘટાડો, લ્યો, હું નયણે સોહું,

તે કેવી રીત, સ્મરણનું રચવા બેઠાં

આલય, એમાં કોઈ વસે ના?

હતો અપરાધ, જીવતો હતો ત્યાં સુધી ગાતો,

થોડો થોડો હજી જાળવી રાખો લયનો નાતો,

મિત્ર, જરા તો હસો, રુદનનો ભાર નથી જીરવાતો,

કેવી હૂંફભરી પ્રજળે છે મારી કેસરવરણી ચેહ

કે અડવું લાગે જ્યારે કોઈ હસે ના.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ