aditho sangath - Geet | RekhtaGujarati

અદીઠો સંગાથ

aditho sangath

મકરંદ દવે મકરંદ દવે
અદીઠો સંગાથ
મકરંદ દવે

પગલું માંડું હું અવકાશમાં

જોઉં નીચે હરિવરનો હાથ,

અજંપાની સદા સૂની શેરીએ

ગાતો આવે અદીઠો સંગાથ.—

જાગીને જોઉં તો કોઈ નથી એકલું.—

ભયની કાયાને ભુજા નથી,

નથી વળી સંશયને પાંખ,

ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,

ફૂટી એને રૂંવે રૂંવે આંખ.—

જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ઊંઘતાને માથે ઓળો મોતનો

ઊંઘતાને પાયે જગની જેલ,

આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,

અને આંસુડે વાવે છે અમરવેલ.—

જાગીને જોઉં તો કોઈ નથી એકલું.—

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989