અડધી રાતે
addhhi raate
લાલજી કાનપરિયા
Lalji Kanpariya

અડધી રાતે સપનું આવી તડાક્ દઈને તૂટી પડ્યું રે લોલ
હાલક-ડોલક ઘર વચાળે ઘુવડ કેરું વેણ દડ્યું રે લોલ.
ધીંગાણામાં ખપી ગયેલા ગરાસિયાની પાછળ કાઠી – કુળ–
મરસિયા કૂટે, છાતીમાં એમ વાગતી સંભારણાંની શૂળ.
લોહી નીગળતી આંખ નામની નદીએ ઘોડાપૂર ચડ્યું રે લોલ
અડધી રાતે સપનું આવી તડાક્ દઈને તૂટી પડ્યું રે લોલ.
પડે ઢોલિયે તણખો એવી સળગી ઊઠે ભડકો થઈને રાત
કરે ટેરવાં ડૂસકે ડૂસકે વીતી ગયેલા અવસર જેવી વાત.
માણેલી કોઈ સભર ક્ષણોનું હથેળીઓને સત ચડ્યું રે લોલ
અડધી રાતે સપનું આવી તડાક્ દઈને તૂટી પડ્યું રે લોલ.
ઉજ્જડ ઘરમાં અંધારાનાં તમરાં નાખે લોહી નીગળતી ચીસ
ઝાંખા–પાંખા કૅલેન્ડરમાં સ્તબ્ધ થઈને ઊભા દ્વારકાધીશ!
સાંધીને બટકેલા શ્વાસો જીવતર જીવતા કોણ રડ્યું રે લોલ
અડધી રાતે સપનું આવી તડાક્ દઈને તૂટી પડ્યું રે લોલ.



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ