અબોલડા
aboldaa
જગદીશ જોશી
Jagdish Joshi
જગદીશ જોશી
Jagdish Joshi
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત!
આ તે કેવી રીત, સજનવા! આ તે કેવી રીત?
પગમાં ઊગ્યાં વંન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો;
ભવ આ ભાંગી રાત બની ગઈ દિવસ થકી વંચિત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.
નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઈ અમળાય;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં રડે પછીત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.
સ્રોત
- પુસ્તક : ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પૃષ્ઠ ક્રમાંક 65)
- સર્જક : જગદીશ જોષી
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ
- વર્ષ : 1998
