abolaa - Geet | RekhtaGujarati

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,

બંધ હોઠ કર્યા મેં જ્યારે, આંખે માંડી વાત!

આંખોનેયે વારું ત્યારે, જોવું ના તુજ દિશ,

એમ કર્યું તો, સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ.

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,

નીર ફર્યાં પાછાં તેથી ઊભરાતાં તુજ નેન.

અંતર મારે ભય જાગે : શું બંધો જાશે તૂટી?

શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી?

સઘળું નિજનું તુજને, લૂંટી?

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : પ્રહ્લાદ પારેખ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1998
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ