abola laii hun to algii bethii - Geet | RekhtaGujarati

અબોલા લઈ હું તો અળગી બેઠી

abola laii hun to algii bethii

રાજેન્દ્ર ભટ્ટ રાજેન્દ્ર ભટ્ટ
અબોલા લઈ હું તો અળગી બેઠી
રાજેન્દ્ર ભટ્ટ

અબોલા લઈ હું તો અળગી બેઠી

હવે રે'વાઈ સે'વાઈ સૈ;

ભમરાળી કેમ મને કમત સૂઝી

હું જાણું નૈ કૈ કે'તા કૈ,

આંખ્યુંના ખૂણેથી નીરખ્યા કરું

મારા સાયબાને દિન-રાત;

એકવાર ચડશે ચડી ગઈ પછી

કેમ નીકળે મોઢેથી વાત;

શમણે આવે તો મનાવી લઉં પણ

નભાઈ નીંદર વેરણ થૈ;

ઘણુંય થાય મૂઈ જીદ મેલીને

ઓરડેથી પાડું હું સાદ;

હૈયામાં ત્યાં તો હિલોળા ઉઠે

પણ જીભને નડે મરજાદ;

બાધા આખડી માનતા માની

જો છૂટે અબોલા મારી બૈ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ