અભિસારિકા
abhisarika
રવીન્દ્ર પારેખ
Ravindra Parekh
આંગણું તે કંઈ આટલું અમથું હોય?
સાવ દડાશી પૃથ્વી તારે આંગણે પડે
તોય ન એને ગબડી શકે એટલી જડે ભોંય!
મુઠ્ઠીમાં આવેલ પાંચીકા સ્હેજ ઉછાળું આભમાં ત્યાં તો
તારલાઓનું ઝૂમખું બની વાય,
ચાંદ સૂરજ તો ઠીક મારા ભઈ બુધ-ગુરુના બે’ક લખોટે
રમવા જતાં આંગણું ખૂટી જાય!
સાત તારાનું તોરણું તારે આંગણે મારે બાંધવું છે પણ
ક્યાંય જરાય દોર નથી ને જડતી નથી સોય...
ચાંદ સૂરજના કુંડળ ઘાલી નાકમાં શુક્કર તારક પ્હેરી
નીકળું તો આકાશ પડે છે નાનું,
તોય ન જાણે કેમ મને તું આવનારા એકાદ આંસુમાં
દુનિયાથી સંતાડવા મથે છાનું!
સાત સમંદર રડવું તારું રોકવું મારે સાવ સહેલું
પણ તું તો નૈં આવતી એવા એક આંસુથી રોય...
સ્રોત
- પુસ્તક : હું મારામાં દરિયો રાખું (પૃષ્ઠ ક્રમાંક 50)
- સર્જક : રવીન્દ્ર પારેખ
- પ્રકાશક : સાહિત્ય સંકુલ
- વર્ષ : 2020