અભિલાષાને
abhilashane
જગદીપ વીરાણી
Jagdeep Virani
જગદીપ વીરાણી
Jagdeep Virani
ઊભી રહી કહેતી જા ને બાઈ!
ક્યે ઠેકાણે જાતી અલી દોડતી ઘેલી?
ઊભી રહી કહેતી જા ને બાઈ!
પેલા આભમાં છાયેલ ચાંદરડાંને
હીરા-મોતીના ઢગલા જાણી
ઘેલી શું વીણવા ચાલી?
લાવીને પહેરશે શું તું હાર બનાવી!
ઊભી રહી કહેતી જા ને બાઈ!
કે પેલે ગગને ચડી
આસમાની સાડી ખેંચી લાવી,
વીજળીની કોર માથે મૂકી,
લાવીને ઓઢશે શું તું ચીર બનાવી!
ઊભી રહી કહેતી જા ને બાઈ!
કે પેલો સાગર જે બજાવી રહ્યો
નિશદિન નિજ નીરની વીણા,
અરે શું લેવા ચાલી?
લાવીને ગાશે શું તું ધૂન મચાવી?
ઊભી રહી કહેતી જા ને બાઈ!
કે પેલે દૂર સીમાડે
મૃગજળને દોડતાં જોઈ,
પાણી શું ભરવા ચાલી?
લાવીને પીશે શું તું ઝાંઝવા-પાણી?
ઊભી રહી કહેતી જા ને બાઈ!
સ્રોત
- પુસ્તક : વિરાટના પગથારે (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : જગદીપ વીરાણી
- સંપાદક : વિનોદ જોશી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2018
- આવૃત્તિ : (પુનર્મુદ્રણ)
