આવી કસૂર
aavi kasoor
સુરેશ દલાલ
Suresh Dalal
સુરેશ દલાલ
Suresh Dalal
કળીને કહેવું કે મ્હેક દૂર વહી જાય નહીં :
જીવ મારા! આવી કસૂર કદી થાય નહીં!
ચંદાની ચાંદનીને ન્યાળીને ઊછળે છે
સાગરનાં ફાળ ભરી પાણી;
આભમાં છવાયેલી ઘેઘૂર ઘટાને જોઈ
થનગનતી મોરલાની વાણી.
પંચમી વસંતની ત્યાં કહેવું કોકિલને
કે કંઠની કટોરી છલકાય નહીં :
જીવ મારા! આવી કસૂર કદી થાય નહીં!
રહેજે ના જાય સરી છેડલો, રે એમ કરી
અંગ અંગ ચપોચપ પ્હેરિયું;
પણ વ્હેતા આ વાયરામાં ઊડ્યા વિના તે રહે
કેમ કરી ભાતીગળ લ્હેરિયું?
પંખીની આંખ મહીં આખુંયે આભ
ત્યાં કહેવું કે ઊંચે ઉડાય નહીં :
જીવ મારા! આવી કસૂર કદી થાય નહીં!
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
- વર્ષ : 1980
