aathamtii saanj - Geet | RekhtaGujarati

આથમતી સાંજ

aathamtii saanj

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
આથમતી સાંજ
હરીન્દ્ર દવે

પાંદડામાં થોડો થોડો તડકો ભર્યો

ને પછી માળામાં પંખીને પાયો,

આંખ ભલે નીંદરનું વેન લઈ જાગે

કે ચાંચમાં ઉજાગરો લપાયો.

વાદળે સૂતેલ એક જળની પરીને

જરા ચૂમી ત્યાં વીજળીનો ઝટકો,

પરભાર્યું આગળ જવાય તો તો ઠીક

મળે એકધારી આગ અગર અટકો;

છીપમાં ડૂબેલ કોઈ ચમકીલો ભેજ

ભર્યો દરિયાનાં નીરમાં સુકાયો.

સૂકી માટીમાં આજ વાવ્યાં પગલાંઓ

કેડી થઈને કાલ ઊગશે,

વારતાના મેદાને વેરી જુવાર

એને સપનાનાં પંખીઓ ચૂગશે?

લંબાતી સાંજનો પડછાયો

આથમતાં કિરણોની જાળમાં ઝલાયો.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ