Aathamata Dhabkara ne Shangaro Re - Geet | RekhtaGujarati

આથમતા ધબકારાને શણગારો રે

Aathamata Dhabkara ne Shangaro Re

યોગેશ જોષી યોગેશ જોષી
આથમતા ધબકારાને શણગારો રે
યોગેશ જોષી

આથમતા ધબકારાને શણગારો રે

વીજળી જેવું શ્વાસોમાં કૈં થાતું રે

અંગ અંગમાં ગંગાજળ છલકાતું રે

અજવાળાનો રંગ કાં થાતો કાળો રે

હળવેથી મુજ લાગણીઓ પેટાવો રે

પાંપણ પાસે કલરવતું અજવાળું રે

મૂંગા થાતા ટહુકાઓ પંપાળું રે

બે હોઠ વચ્ચે લીલો સૂરજ વાવો રે

ધબકારા પર અજવાળાં ત્રોફાવો રે

તુલસીક્યારે ગીત અધૂરાં સીંચો રે

તૂટ્યા લયને પીપળે જઈને વીંટો રે

આથમતા ધબકારાને શણગારો રે

આથમતા ધબકારાને શણગારો રે

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ