aapni kani chintao karsho nahin ram ane nirante sui jajo shyamala - Geet | RekhtaGujarati

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

aapni kani chintao karsho nahin ram ane nirante sui jajo shyamala

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
ધ્રુવ ભટ્ટ

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

અહીંયાં તો આવીને પડશે તે દેશું તમને ક્યાં અમથા જગાડવા?

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં

એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને ક્યાં કાઢું આરતનાં વેવલાં?

આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કારવશું બાપલા

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો પછી ઓઢશું

બાકી તડકો ને છાંય છે કે જીવતર કોયડાને બેઠ્ઠો ઉકેલશું

મારા જે કોયડા ને મારા ઉકેલ કહો આપને શું કારણ જણાવવાં?

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયા તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું

આખો દી’ તમને શું કહેવાનું હોય મેં સંસારે કાઢ્યું છે ગાંડું

માંડી ચોપાટ હવે જાતે ઉકેલવી છે તમને શું અમથા રમાડવા?

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

સ્રોત

  • પુસ્તક : ધ્રુવગીત (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : ધ્રુવ ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021