aapni judai - Geet | RekhtaGujarati

આપણી જુદાઈ

aapni judai

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
આપણી જુદાઈ
મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ

મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ

ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું

ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ'

ના એકેય વ્રત મારું પૂગ્યું

સુસવાતા દિવસોએ કાગળના જેવી આ

જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય

અહીં ચૈતરના તાપ પડ્યા એવા

અહલ્યાની જેમ મારી ઈચ્છા તો પથ્થર

આ જીવતરના શાપ કોને કે'વા

એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન

ધેનુની આંખનું હું પાણી

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ