aapne - Geet | RekhtaGujarati

એક ઊંચી દીવાલ અને આપણે

બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા

બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે

એક ઊંચી દીવાલ અને આપણે

ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ

ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ

સધિયારો આપો તો શિખર પર પહોંચીએ

પંપાળો તો જઈને વસીએ રે પાંપણે

એક ઊંચી દીવાલ અને આપણે

થડને વળગેલ કોઈ વેલીની જેમ, અમે વીંટાયા પોતાની જાતને

પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ લીલી ઠકરાતને

એવાં ઉથાપો કે જન્માંતર ઊખડે

થાપો તો કોઈ છેક તળિયાની થાપણે

એક ઊંચી દીવાલ અને આપણે

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા – સંજુ વાળા (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2020