aapne - Geet | RekhtaGujarati

પંખીના માળે બાંધ્યુ આયખું…

ખરતા તરણે સંબંધ,

સગપણ ઊગ્યા ભેળું આથમે

રવડે પડછાયા અંધ.

માળે મળેલાં પખી આપણે.

ભવની લીલી-સૂકી ડાળખી,

ઝરતી પાંદડાની છાંય -

ખરતી પાંદડાની છાંય

ઊડતી પાંખોની એંધાણીએ

ઢળતી નજરુંની ઝાંય....

માળે મળેલાં પંખી આપણે.

થડને ટેકે છૂટયા છાંયડા,

તોડી તડકાની પાળ,

મૂળને અડીને ઊભા આકરા,

ધીકતા રણનાં પાતાળ—

માળા બાંધી વીંખાયાં આપણે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983