aapanu samuhgeet - Geet | RekhtaGujarati

આપણું સમૂહગીત

aapanu samuhgeet

રાજેશ પંડ્યા રાજેશ પંડ્યા
આપણું સમૂહગીત
રાજેશ પંડ્યા

કેટલીયેં નદીયુંને ઓળવી લઈ સામટી આપે બેચાર બસ ઘૂંટડા

એકાદો કોળિયોક આપીને મારા ખેતરને ખાઈ થયા ખૂંટડા.

એક ફૂંકે ઉડાડી દેય અડીખમ પ્હાડ

બીજી નજરે સુકાડી દે લીલાંછમ ઝાડ

ત્રીજવારુંકા જંગલનાં જંગલ અલોપ એવી નાખે બીકાળવીક ત્રાડ

તોતિંગ દરવાજાને ખેડવવા માટે કરે અમને આડશના ઊંટડા

એકાદો કોળિયોક આપીને મારા ખેતરને ખાઈ થયા ખૂંટડા.

મારે ખભે મૂકીને પછી ફોડે બંદૂક

મારી છાતીએ ઘોડાર્યું દોડવે ખદડૂક

મને ઊંઘમાંથી ઝઝકાવે ઘડીએ ઘડી કરી સપનામાં હાઉક... હા...ઉક

જાગીને જોઉં તો છે વેરણછેરણ મારી ચારેકોર મેઘધનુષ ટુકડા

કેટલીયે નદીયુંને ઓળવી લઈ સામટી મને આપે બેચાર બસ ઘૂંટડા.

પૃથ્વી તો શું પાડ્યાં અંકાશે કાણાં

પાતાળે જઈ છેક ઊલેચ્યા પાણા

બાકી મેલ્યું કાંઈ બ્રહ્માંડે ઠામ ઠેકઠેકાણે થાપ્યા છે થાણાં

ભલે દરપણે દિગંબર દેખાતા હોય તોય બનીઠનીને ફરે ફૂટડા

એકાદો કોળિયોક આપીને મારા ખેતરને ખાઈ થયા ખૂંટડા

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : ઓક્ટોબર ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન, મુંબઈ