puchhsho ma - Geet | RekhtaGujarati

પૂછશો મા, કોઈ પૂછશો મા,

મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

દિલના દરિયાવ મહીં કાંઈ કાંઈ મોતી:

ગોતી ગોતીને ત્હેને ચૂંથશો મા;

મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

ટહુકે છે કોકિલા, પુકારે છે પપૈયો,

કારણોના કામીને સૂઝશો મા;

મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

આંસુના નીરના કો આશાના અક્ષરો:

આછા, આછા, ત્હોય લૂછશો મા;

મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

જગના જોદ્ધા! એક આટલું સુણી જજો :

પ્રારબ્ધનાં પૂર સ્હામે ઝૂઝશો મા!

મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

પૂછશો મા, કોઈ પૂછશો મા,

મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002