madarinun pranaygit - Geet | RekhtaGujarati

મદારીનું પ્રણયગીત

madarinun pranaygit

રમેશ પારેખ રમેશ પારેખ
મદારીનું પ્રણયગીત
રમેશ પારેખ

મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટગોટ પોઢેલો નાગ છે,

આવ, સખી આવ, એને છંછેડી નાખ, તારી મહુવરમાં મૂંઝાતો રાગ છે.

આંખોમાં કોઈ પાન ઊગ્યાનું ઘેન હાથચાલાકી જેટલું પોલું,

વાદીનો ખેલ કોઈ ખાંધથી ઉતારે તો ખુલ્લા આકાશભર્યું બોલું,

મારી પાસે તો એક ખોબો ભરીને નર્યો હું છું ને થીજેલી આગ છે.

મુઠ્ઠી તો ખોલ, એમાં સુક્કીડિબાંગ બે'ક ડાળખી સિવાય બીજું શું છે?

કેવી કરપીણ તે ઘટના ભાળું કે સખી, તું તારાં આંસુઓ લૂછે!

ખરી જતા સગપણની વચ્ચે ફેંકીને એમ કહેવામાં આવ્યું : બાગ છે.

ઝીલી લે આજ લોહી સોંસરવા ડંખ લાવ, અહીંયા લંબાવ તારું લોહી,

ટોળે વળીને કોઈ વાતો કરશે કે સાવ બાવળ પર કોઈ વેલ મોહી,

આંસુને એકલાં પીવા બેસાય, લાવ, એમાં તો મારો પણ ભાગ છે.

(રપ-૧ર-’૭૦/શુક્ર /નાતાલ)

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 301)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 6