jutho ye rag - Geet | RekhtaGujarati

જૂઠો યે રાગ

jutho ye rag

પિનાકિન ઠાકોર પિનાકિન ઠાકોર
જૂઠો યે રાગ
પિનાકિન ઠાકોર

આજ મારા અંતરને એકલું લાગે,

મૂંગા તે મનમાં છાયો સૂનકાર બધે,

ઝીણી યે વેદના વાગે. હો આજ મારા૦

પોતાનાં આજ બધાં થાતાં પરાયાં ને,

અંતરથી અળગાં આઘાં,

સોનેરી સાજ શણગાર સૌ લુટાયાં ને,

ખોવાયા રેશમી વાઘા,

હો મૂરતિ તો પથ્થરના ટુકડા લાગે. હો આજ મારા૦

સ્મરણોનાં સુખ તો સમૂળગાં મેલીને

ઊડી ચાલ્યાં રે અધીરાં,

રંગ-પટોળાંના રંગ ઊડ્યા રેલીને

ભાતીગળ ચૂંદડીના લીરા;

હો ખંડિયેરે ભણકારા ભૂતના વાગે. હો આજ મારા૦

ધરતી દૂર સરી જૈને ડરાવે મને,

આકાશ ભીંસ લૈ દબાવે,

સૂની એકલતામાં ઝૂરું, ઝંખુ હું, મને

કોઈની યે યાદ જો સતાવે;

હો એક ઘડી જૂઠો યે રાગ જો જાગે. હો આજ મારા૦

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004