harinan lochaniyan - Geet | RekhtaGujarati

હરિનાં લોચનિયાં

harinan lochaniyan

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
હરિનાં લોચનિયાં
કરસનદાસ માણેક

એક દિન આંસુભીનાં રે

હરિનાં લોચનિયાં મેં દીઠાં!

પચરંગી ઓચ્છવ ઊછળ્યેા’તો અન્નકૂટની વેળા

ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા'તા ભેળા!

શંખ ધોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી:

શતશત કંચન આરતી હરિવર સંમુખ નર્તન્તી

દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,

દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા,

તે દિન આંસુભીનાં રે

હિરનાં લોચનિયાં મેં દીઠાં!

લગ્નવેદિપાવક પ્રજળ્યો'તો વિપ્ર વેદ ઉચ્ચરતા,

સાજન માજન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા;

જીર્ણ અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું,

કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું:

‘બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળ કળી ત્યાં આણી,

ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી,

તે દિન આંસુભીનાં રે

હરિનાં લોચનિયાં મેં દીઠાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983