aankhomaan bethelaa chaatak kahe chhe - Geet | RekhtaGujarati

આંખોમાં બેઠેલા ચાતક કહે છે

aankhomaan bethelaa chaatak kahe chhe

તુષાર શુક્લ તુષાર શુક્લ
આંખોમાં બેઠેલા ચાતક કહે છે
તુષાર શુક્લ

આંખોમાં બેઠેલા ચાતક કહે છે :

મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે.

ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું

કોઈ કારણ પૂછે તો કહું : ખાસ છે!

કોરી કુંવારી આ હાથની હથેળીમાં

માટીની ગંધ રહી જાગી

તરસ્યા આ હોવાના કોરા આકાશમાં

આષાઢી સ્હાંજ એક માગી

વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે

ભીંજાવું એ તો આભાસ છે

કોરપની વેદના આ કેમે સહેવાય નહિ

રૂંવે રૂંવેથી મને વાગે

પહેલા વરસાદ તણું મધ મીઠું સોણલું

રહી રહીને મારામાં જાગે

નસ નસ આ ફાટીને વહેવા ચાહે છે

આ તે કેવો આષાઢી ઉલાસ છે!

સ્રોત

  • પુસ્તક : તારી હથેલીને (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : તુષાર શુક્લ
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2008