આંખે અંજન
aankhe anjan
બાબુ નાયક
Babu Nayak

આંખે અંજન આંજ્યાં, સૈયર આંજ્યાં જી.
ગાલે ખંજન માંજ્યાં, સૈયર માંજ્યાં જી.
નયણે નીચું ન્યાળ્યું, સૈયર ન્યાળ્યું જી
ભાવે ભીતર ભાળ્યું, સૈયર ભાળ્યું જી.
મોઘમ, મોઘમ મલક્યાં, સૈયર મલક્યાં જી.
છાનું છાનું છલક્યાં, સૈયર છલક્યાં જી.
કંકુ કેસર ઘોળ્યાં, સૈયર ઘોળ્યા જી
આઠે અંગે ચોળ્યાં, સૈયર ચોળ્યાં જી.
ઘરચોળાનું ઘેલું, સૈયર ઘેલું જી.
ઘમઘમ છૂટી વેલ્યું, સૈયર વેલ્યું જી.
ઘૂમટે ઘેરો ઘાલ્યો, સૈયર ઘાલ્યો જી,
હાથે મીંઢળ મ્હાલ્યાં, સૈયર મ્હાલ્યાં જી.
ફેરેફેરે ફોર્યાં, સૈયર ફોર્યાંજી,
મેળે મેળે મ્હોર્યાં, સૈયર મ્હોર્યાં જી.
શ્વાસે શ્વાસો સાંધ્યા, સૈયર સાંધ્યા જી,
ભવના ભાથાં બાંધ્યાં, સૈયર બાંધ્યાં જી.



સ્રોત
- પુસ્તક : હાલ્યને સૈયર (પૃષ્ઠ ક્રમાંક 63)
- સર્જક : બાબુ નાયક
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2019