mojma revu... - Geet | RekhtaGujarati

મોજમાં રેવું

mojma revu...

દાન અલગારી દાન અલગારી
મોજમાં રેવું
દાન અલગારી

       મોજમાં  રેવું  મોજમાં  રેવું  મોજમાં  રેવું   રે...
અગમ, અગોચર, અલખધણીની  ખોજમાં રેવું  રે... મોજમાં રેવું...

       કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે...
       આભ  ધરા  બીચ  રમત્યું  હાલે  ખેલ ના ખૂટે રે...
આ લહેર આવે લખલાખ રત્નાકરની  લૂંટતા રહેવું રે... મોજમાં રેવું.

        કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે...
        મરવું  જાણે  મરજીવા  ઇ તો રમતા તાલે રે...
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે... મોજમાં રેવું.

        લાય લાગે તોય બળે નઇં એવા  કાળજાં કીધાં રે...
        દરિયો  ખારો  ને  વિરડો  મીઠો દાખલા દીધા રે...
જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે... મોજમાં રેવું.

       સંસાર   ખોટો   કે   સપનું   ખોટું   સૂજ   પડે   નઈ   રે...
       આવા યુગ વીત્યા ને યુગની પણ જો સદીયું થઈ ગઈ રે...
મોટા મરમી પણ એનો મરમ ન જામે કૌતુક કેવું રે... મોજમાં રેવું.

       ગોતવા જાવ છો મળે નઈ ગોત્યો ગહન ગોવિંદો રે...
       હરિ  ભગતું  ને  હાથ  વગો  છે.  પ્રેમનો  પરખંદો રે...
આવા દેવને દીવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું રે... મોજમાં રેવું.

       રામ કૃપા અને રોજ દિવાળી ને રંગનાં ટાણાં રે...
       કામ  કરે  એની  કોઠીએ કદી ખૂટે ના દાણા રે...
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે... મોજમાં રેવું.

       મોજમાં  રેવું  મોજમાં  રેવું  મોજમાં  રેવું  રે...
અગમ, અગોચર, અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૨૦૦૫ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2007