aamna aawo to - Geet | RekhtaGujarati

આમના આવો તો....

aamna aawo to

લાલજી કાનપરિયા લાલજી કાનપરિયા
આમના આવો તો....
લાલજી કાનપરિયા

જીવણ! આમના આવો તો કહું વાત,

કે ઢોલિયામાં ટળવળતી સૂની મધરાત!

આંખ્યુંને કોઈ દિ' પજવી ન્હોતી તોય શમણાં જોયાનું કીધું પાપ,

પરિણામે કાંખમાં ઘાલીને રઝળું છું છોકરાની જેમ સંતાપ.

મેં તો માનતાય માની પાંચ-સાત,

કે ઢોલિયામાં ટળવળતી સૂની મધરાત!

દીવાને ઝાંખો કરું તો છડેચોક ઘેરી વળે છે નિરાશા,

ઝગતો રાખું તો કોઈ આવીને આપે છે કાળઝાળ અગ્નિના જાસા!

મુંને પાલવે ના ખોટી પંચાત,

કે ઢોલિયામાં ટળવળતી સૂની મધરાત!

માછલીને સપનું આવ્યું તો એકાએક બની ગૈ ધૂળની ડમરી,

વાયરો વાયો, ક્યાંક વરસાદ પડ્યો એવી અફવાની ઊડી છે ભમરી!

મુંને જળનો પીડે છે આઘાત,

કે ઢોલિયામાં ટળવળતી સૂની મધરાત!

સ્રોત

  • પુસ્તક : નવા ચંદ્રની કૂંપળ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : લાલજી કાનપરીયા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 1999