aakhii aavardaa men rotlaa ghadyaa - Geet | RekhtaGujarati

આખી આવરદા મેં રોટલા ઘડ્યા

aakhii aavardaa men rotlaa ghadyaa

દેવાંગી ભટ્ટ દેવાંગી ભટ્ટ
આખી આવરદા મેં રોટલા ઘડ્યા
દેવાંગી ભટ્ટ

આખી આવરદા મેં રોટલા ઘડ્યા, ને હંધુય ગ્યું ચૂલાની માંય

પડખેવાળીએ એક ભાખરી દીધી, ઈને પયણ્યો કયડી–કયડી ખાય

બાપીકા ખેતરની લીલુડી જાર, ઈને કાંડા તોડીને અમે દળીએ

ટીપેલા રોટલામાં લાખેણું ઘી, ને ભાણું પીરસી દઈએ ફળીએ

પણ નુગરો એવો તે લુખ્ખી ભાખરી ઓરે,

ને મારા ઘીનો રેલો હાલ્યો જાય

આખી આવરદા....

ભેંશોનું દૂધ, ને માખણનાં લોંદા, કુણા ગુંદા–ગરમર હોત રાખું

શીરો કે લાપશી નકટાને દઉં, ઈની પેલા હું ગળપણને ચાખું

પણ હંધીય મીઠપ કોક કુબજા લઈ ગઈ,

મને મરચા લાગ્ય સે એવા માંય

આખી આવરદા....

બજારુ લોટની હુક્કીભઠ ભાખરી, દુબળી એનવી કે જાણે મરશે

કાચી કિનાર ઉપર દાઝ્યાનાં ડામ, ઢોરાં હોત ખાતા થથરશે

પણ આપડા ભાય્ગમાં ભમયડો હોય,

તો કાગડીયુ માલપુઆ ખાય

આખી આવરદા.....

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ