nawalun nilambar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવલું નીલાંબર

nawalun nilambar

ગની દહીંવાલા ગની દહીંવાલા
નવલું નીલાંબર
ગની દહીંવાલા

કોની મનોરમ દૃષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું?

ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીંજાણું?

ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?

ફાગણ નહિ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?

છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?

નવલું નીલાંબર ભીંજાણું.

કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,

ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા કોની આંખના અણસારા?

શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું?

નવલું નીલાંબર ભીંજાણું.

રસભીની એકલતામાં સાંનિધ્યનો સાચે સંભવ છે,

ફોરાંની મૃદુ પાયલ સાથે કોનો મંજુલ પગરવ છે?

આનંદના ઊઘડ્યા દરવાજા, રે મન! આખું ઘર ભીંજાણું,

નવલું નીલાંબર ભીંજાણું.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008