aaj hun udaas nathii thaato - Geet | RekhtaGujarati

આજ હું ઉદાસ નથી થાતો

aaj hun udaas nathii thaato

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
આજ હું ઉદાસ નથી થાતો
હરીન્દ્ર દવે

આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના

જુવાનિયાની આંખ ન્હોય ભીની,

આજની વેદના વરાળ સમી, એટલે

યાદ કરું વારતા પછીની.

તને આશ્લેષે લીધી

ને ભીંસ એની આવનારી સદીઓમાં

કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :

બદલાતી દુનિયાના પલટાતા વહેણે

સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,

સદા એવાં ને એવાં રહી તરશે.

કડવાં પાંદડાં તો આવશે જશે

ને હશે લીમડાની છાંય મ્હેકભીની.

ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ

હવે તારે ને મારે

જીરવી જવાનું ભાગ્ય આવશે,

રડવાનું એટલું આસાન

અને આંખને તો જળની માયા છે ખૂબ

તોય, કહે, હસવાનું ફાવશે?

ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ

કદી સાંભળી તેં વાત નદીની?

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ