aaj aashaadhnii maajham raat - Geet | RekhtaGujarati

આજ આષાઢની માઝમ રાત

aaj aashaadhnii maajham raat

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
આજ આષાઢની માઝમ રાત
રાજેન્દ્ર શાહ

આજ આષાઢની માઝમ રાત ને મેઘછાયો અંધકાર,

ઊંડી ભરી જાણે અંતર વેદના નેવલાં રુવે ચોધાર.

ઘરની પાછળ કૉળેલ લીંબડી જાણે થઈ રહી ઠાલી,

આસોપાલવનાં નીલિમ પર્ણની પાંપણ તેય ખાલી.

રોજ કાને પેલી ઝિલ્લિનું સુંદર આવતું મુખર ગાણું.

તેય આજે એના કંઠની ભીતર જાણે ડૂમે અટવાણું.

આજ માઝમ રાતની પાંસળી વીંધતો કરુણ રવ,

વ્યાપી રહ્યો કોટિ બુંદ થકી ઝરી ટબ ટબ ટબ ટબ.

ટ...બ્ ટ...બ્ ટ...બ્ રોય,

પાંપણ ઢાળીને કાન ધરું ત્યારે સોણલે આવતું કોય.

લોચનની મુજ પાંખડી ખોલું ત્યાં ઓહો બધે અજવાળું!

જાળીથી આવતી ચાંદનીથી તુજ અંગ રસાય રૂપાળું.

વિરહનું ઘન વાદળ વીંધીને ઇન્દુએ માંડી છે કીકી,

નેવલાંનાં પેલાં બુંદ મહીં કશી જ્યોત ઝગી રહી મીઠી!

પાંદડે પાંદડે નીલમની ફૂટી કિરણ ઝાંય મધુરી;

ભૂમિ તણાં જલ-ખામણાંની નવ આશ જણાય અધૂરી.

સેજ છોડી સ્હેજ બ્હાર જવા નવ હોંશથી મંન વિચારું,

કોણ જાણે કેમ આજ અરે પણ હૈયું માનતું મારું.

એક ઘડી લહું ચંદની, અવર વેળ લહું ભૂતકાળ;

આંખ પરોવાતી શૂન્યમાં, આવે ત્યાં કોણ રે વારવાર?

ટ...બ્ ટ...બ્ ટ...બ્ ટ...બ્

આપણ બેઉના કપોલ ભીંજતા વિરમિયા નહિ લવ.

જીવનનો જવ ફાગ ખીલ્યો તવ કિંશુક કંકણ ધારી,

મેંદીના રંગનું ધરતીની ધૂળ ઉપર તેજ પસારી

પાતળી ચૂંદડીમાં નમણું મુખ ઢાંકી તું આવતી પાસે,

નાજુક ફૂલને ધારી રહું તેમ હાથ મૂકું તુજ વાંસે,

દિલ તણો તવ કેટલો મ્હોરતો મુખ-સોહામણ ક્ષોભ!

તોય હતો તુજ બોલને ઝીલવા કેટલો અંતર લોભ!

તું નહિ, હું નહિ બોલતાં, મૌનમાં કાળ રહે અટવાઈ;

ત્યારે મળે ચાર નૅણ ને હોઠપે કંપી રહે અધીરાઈ;

અધર ઉપર ઉર થયાં એક, જીવન એક થયેલ,

જીવિતના સહુ સુખના મધુ વેળમાં ઘૂંટ ભરેલ.

ત્યાં તો અરે પ્રિય! તારા તે નામની દૂરની સાંભળી વાણી,

ગંધ મૂકી જ્યમ ફૂલ ખરે ત્યમ તું સરકી ગઈ છાની.

મિલનની શુભ રાતને લાધિયું ચિરવિદાયનું વ્હાણું,

મીઠી તે નિંદરનું મૂળ સોણલું ખીલ્યું ત્યાં કરમાણું.

નેપુરનો તવ નાદ શમ્યો, દૃગ પાર થઈ તવ પાની,

ભાંગેલ ઉરની કાચલીમાં ભરી નિધિ-છલોછલ પાણી.

ટ...બ્ ટ...બ્ ટ...બ્ ટ...બ્

ટ...બ્ ટ...બ્ ટ...બ્ ટ...બ્

નિધનનું ઘન વાદળ વીંધીને એક દી હુંય આવીશ

પ્રિયે! તુજ દ્વાર,

મિલનની મધુ ચંદનીમાં સૂરગંગાને તીર

ટબૂકવાને ફરી આંખડીઓ ચાર ચાર.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ